માનવ હૃદયની સૌથી મોટી નબળાઈ

 

માનવ હૃદયની સૌથી મોટી નબળાઈ એ છે કે તે ઘણીવાર દયાને જ પ્રેમ સમજી લેવાની ભૂલ કરી બેસે છે. વર્ષોના સંપર્ક અને સંવેદનાઓના તાંતણે બંધાયેલી કોઈ યુવતી જ્યારે કોઈ પુરુષના 'વિક્ટિમ કાર્ડ' એટલે કે તેની આભાસી લાચારીમાં ફસાઈ જાય છે, ત્યારે તે પ્રેમ નથી કરતી પણ એક માનસિક ગુલામી ભોગવતી હોય છે. તમે જેની સાથે લાંબા સમયથી જોડાયેલા છો, તેની પાયાવિહોણી વાર્તાઓ કે 'મારું કોઈ નથી', 'તારા વગર હું બરબાદ થઈ જઈશ' એ ખરેખર પ્રેમની ભાષા નથી, પણ એક ભાવનાત્મક અત્યાચાર (Emotional Blackmail) છે. તમે તેને એવી રીતે મદદ કરી છે જે રીતે કદાચ કોઈ જન્મોજન્મનો સાથી પણ ન કરી શકે, પણ જરા થોભીને એ તો વિચારો કે જેની સાથે જોડાવાથી તમારું પોતાનું વ્યક્તિત્વ ભૂંસાઈ ગયું હોય, શું તે જોડાણ ખરેખર સાર્થક છે?


ઘણી યુવતીઓ આજે એવા માનસિક કેદખાનામાં જીવે છે જ્યાં તેમને લાગે છે કે જો તેઓ આ 'લાચાર' યુવકનો સાથ છોડી દેશે તો તેની જિંદગી તબાહ થઈ જશે. આ એક બહુ મોટો ભ્રમ છે. યાદ રાખજો, જે પુરુષ પોતાની ઉન્નતિ માટે સ્ત્રીની દયા પર નિર્ભર રહે છે, તે પુરુષાર્થહીન છે. તમે તેને છોડીને તેની જિંદગી બરબાદ નથી કરી રહ્યા, પણ તમારી પોતાની જિંદગીને નરક બનતી બચાવી રહ્યા છો. આટલા લાંબા સમયના સાથ પછી આત્મનિરીક્ષણ કરો કે તમે શું હાંસલ કર્યું? શું તમે માનસિક રીતે વધુ સમૃદ્ધ બન્યા? કે પછી માત્ર તેની સમસ્યાઓના પોટલાં ઊંચકીને તમારા અસ્તિત્વને થકવી નાખ્યું? જે સંબંધમાં તમને ઉડવા માટે આકાશ ન મળે અને માત્ર રોદણાં રડવા માટે ખભો બનવું પડે, તે સંબંધ 'વર્ધી' (Worthy) ક્યારેય ન હોઈ શકે.


સૌથી વેદનાદાયક સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે તમે એક બાજુ વર્ષોનો આ ભ્રમિત સંબંધ અને બીજી બાજુ જેણે તમને અસ્તિત્વ આપ્યું છે તે પરિવાર વચ્ચે ઝૂલો છો. જે માતા-પિતાએ તમને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, તેમના આશીર્વાદ અને સંસ્કારોને એક એવા વ્યક્તિ માટે બલિ ચડાવી દેવા જે માત્ર પોતાની નબળાઈઓ વેચીને તમારી સહાનુભૂતિ ખરીદે છે, તે આત્મઘાતી નિર્ણય છે. પરિવારનો સાથ છોડીને તમે જ્યારે આ 'બિચારા' માણસના શરણે જશો, ત્યારે સમય જતાં એ જ વ્યક્તિ તમારી પરવશતાનો લાભ ઉઠાવશે. જે માણસ આજે પોતાની જવાબદારી સ્વીકારી શકતો નથી, તે આવતીકાલે તમારો સાથ આપવાને બદલે તમને જ દોષ આપશે. પોતાની કરુણાને કોઈનું રમકડું ન બનવા દો. જિંદગીનો અર્થ કોઈના અધૂરાપણાને પૂરું કરવામાં પોતાની જાતને હોમી દેવી એ નથી, પણ જેની સાથે રહીને પરસ્પર ગૌરવ વધે એનું નામ જીવન છે. નિર્ણય તમારો છે: પાયાવિહોણી દયાના આધારે બરબાદ થવું કે પરિવારના મજબૂત પાયા પર રહીને ગરિમાપૂર્ણ જીવન જીવવું.